સુપા ગુરુકુળ ખાતે ‘માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયો: વૈચારિક ક્રાંતિ સમગ્ર જીવનને બદલી શકે છે
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજન: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, ૧૦૨ વર્ષ જૂની શૈક્ષણિક પરંપરાની ટ્રસ્ટીઓએ સરાહના કરી
સુપા (નવસારી)
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત સુરત સ્થિત કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માનસ પરિવર્તન’ પરિસંવાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈચારિક ક્રાંતિના પ્રેરક વક્તા શ્રી દેવરાજભાઈ ચૌધરીએ ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓને સંબોધિત કરી જીવનમાં સકારાત્મક વિચારો, મૂલ્યો અને નાગરિક કર્તવ્યોનું મહત્ત્વ વિગતવાર સમજાવ્યું હતું.
વિદ્યાર્થીઓને સંબોધતાં શ્રી દેવરાજભાઈ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જીવનમાં વૈચારિક ક્રાંતિ તમારા સમગ્ર જીવનને બદલી શકે છે.” માત્ર ભૌતિક સુવિધાઓ અને સાધનોની પ્રાપ્તિથી દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી, પરંતુ તેના માટે જવાબદાર, સંવેદનશીલ અને કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું ઘડતર અનિવાર્ય છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના ભારતના નાગરિકો છે. તેમનામાં યોગ્ય વિચારધારા, જીવનમૂલ્યો અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું સિંચન થાય, તો જ સાચા અર્થમાં માનસ પરિવર્તન અને વૈચારિક ક્રાંતિ શક્ય બને છે. તેમના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર થયો હતો.
કાશીબા ગોટી ટ્રસ્ટ, સુરત જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવા તેમજ જર્જરિત અને બંધ થવાની કગાર પર આવેલી શાળાઓને પુનર્જીવિત કરવાના હેતુથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં સક્રિય રીતે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૧ ‘સરસ્વતી ધામ’ એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટીના માર્ગદર્શન અને ઉદ્દેશ્ય અનુસાર આ સંખ્યા ૩૫૧ સુધી પહોંચાડવાનો સંકલ્પ ધરાવવામાં આવ્યો છે. શિક્ષણના માધ્યમથી સમાજમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે કાર્યરત આ ટ્રસ્ટના પ્રતિનિધિમંડળનું ગુરુકુળ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાત ગુરુકુળ સભાના મંત્રી શ્રી અજીતસિંહ સુરમાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ગુરુકુળ સભાના ખજાનચી શ્રી અલ્પેશભાઈ દેસાઈ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ, કેમ્પસ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ, આશ્રમ અધ્યક્ષ શ્રી અમૃતભાઈ પટેલ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય કુમારી શીતલ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય આશિષ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ આહીર સહિત વિવિધ વિભાગોના આચાર્યશ્રીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા ધોરણ ૮ થી ૧૨માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાની સાથે અભ્યાસ, સંસ્કાર અને ચારિત્ર્યઘડતરના સમન્વયના મહત્ત્વ પર પણ ભાર મુકાયો હતો.
પરિસંવાદ બાદ ટ્રસ્ટના પ્રતિનિધિમંડળે ગુરુકુળના વિવિધ વિભાગો, શૈક્ષણિક સુવિધાઓ અને સમગ્ર પરિસરની રૂબરૂ મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના શ્રી લક્ષ્મણભાઈ મૂળજીભાઈ મોરડીયા, શ્રી જગદીશભાઈ કેશવભાઈ માંડવિયા અને શ્રી ભદ્રેશભાઈ કનુભાઈ સાવલિયાએ વિદ્યાર્થીઓ સાથે વિશેષ સંવાદ સાધ્યો હતો અને ગુરુકુળની ૧૦૨ વર્ષ જૂની શૈક્ષણિક પરંપરા, પ્રાચીન સંસ્કારો તેમજ આધુનિક શિક્ષણના સમન્વયથી થઈ રહેલી પ્રગતિને મુક્ત કંઠે બિરદાવી હતી.
ત્યારબાદ ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓ અને ટ્રસ્ટના પ્રતિનિધિઓ વચ્ચે ગુરુકુળના ભવિષ્યના વિકાસ, શૈક્ષણિક નીતિઓ અને સંસ્થાના વિશિષ્ટ ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મંત્રી શ્રી અજીતસિંહ સુરમાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો સંસ્થાના બૌદ્ધિક તેમજ ભૌતિક વિકાસ માટે અત્યંત આવશ્યક છે. સમગ્ર કાર્યક્રમના અંતે કેમ્પસ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો, ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પરિસંવાદ વિદ્યાર્થીઓમાં વૈચારિક જાગૃતિ, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડવામાં અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો હતો.
